પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
÷ પાકા મકાન ઉપર વીજળી પડતા મકાનનો સ્લેબ તૂટી બળદ તથા ભેંસ ઉપર પડતા બે પશુઓના મોત નીપજયા.
… મરણ જનાર બળદની કિંમત 35 હજાર જ્યારે ભેંસની કિંમત 65 હજાર સહિત નુકસાની પામેલ મકાનની કિંમત ત્રણ લાખ મળી કુલ ચાર લાખનું નુકસાન પહોંચ્યું હોવાનું અંદાજવામાં આવ્યું છે
ચોમાસાની શરૂઆત થતાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે.મોટાભાગના લોકોએ મકાઈ જેવા પાકોની ખેતરોમાં વાવણી કરી ચૂક્યા છે.જ્યારે ડાંગર લાયક વરસાદની હજી રાહ જોવાઇ રહી છે. ત્યારે સોમવાર રાત્રિના ગાજવીજ સાથે આવેલા વરસાદ સમયે મારગાળા ગામે પાકા મકાન ઉપર વીજળી પડતા મકાનનો સ્લેબ તૂટી મકાનની અંદર બાંધેલ પશુઓ ઉપર પડતાં એક બળદ સહિત ભેસનું મોતની નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળાના ગામના તળગામ ફળિયા ખાતે રહેતા ભાભોર કલસીંગભાઇ લાલાભાઇ ખેતીવાડી તથા પશુપાલન કરી પોતાના ઘરનું ગુજરાત ચલાવે છે.જેઓ ગતરોજ રાત્રીના 9:30 વાગ્યાના અરસામાં જમી પરવારી ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતા.તેવા સમયે પાકા મકાનમાં જ્યાં પશુઓ બાંધેલા હતા ત્યાં ધડાકો થતા ઘરની બહાર નીકળ્યા હતા અને પશુઓ બાંધેલ મકાનનો સ્લેબ તૂટી પડ્યો હોવાનું નજરે જોતા જણાઈ આવ્યું હતું,જેથી ઘરના સભ્યોએ બુમાબુમ કરતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા અને મકાનની અંદર બાંધેલ બળદ તથા ભેંસને બચાવવા પશુઓ ઉપર પડેલ સ્લેબને હટાવવાની તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી હતી,ત્યારે સ્લેપ નીચે દબાઈ ઇજાઓ પામેલ ભેંસ મરણ ગયેલ હોવાનું જોવા મળ્યું હતું.જ્યારે સ્લેબ નીચેથી કાઢવામાં આવેલ બળદ જીવીત હતો.પરંતુ ગંભીર ઇજાઓના કારણે એકાદ કલાક બાદ બળદનું પણ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મકાન ઉપર વીજળી પડવાથી સ્લેબ તૂટતા બળદનું મોત થતા રૂપિયા 35 હજાર જ્યારે ભેંસનું મોત નીપજતા રૂપિયા 65 હજાર સહિત મકાનને નુકસાન થતાં આશરે 3 લાખ મળી કુલ ₹4,00,000 નું નુકસાન પહોંચવા પામ્યું હોવાનું મકાન માલિક દ્વારા નુકસાની અંદાજવામાં આવી હોવાનું જાણવા મળે છે.ઉપરોક્ત બાબતે ભાભોર કલસીંગભાઇ લાલાભાઇએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હોવાનું જાણવા મળે છે.