Home Local News પ્રતિભા વંદના -૧૮: ખમીરવંતા પુરુષ સમોવડાં સ્વ. મેનાબેન છગનલાલ પટેલ

પ્રતિભા વંદના -૧૮: ખમીરવંતા પુરુષ સમોવડાં સ્વ. મેનાબેન છગનલાલ પટેલ

0

બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને,
વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હદય હદયનાં વંદન તેને.
-ઉમાશંકર જોષી

સંનિષ્ઠ શિક્ષિકા મેનાબેનનો જન્મ તા. ૧૩-૨-૧૯૦૯ ના રોજ ચાણસ્મા મુકામે થયો, પ્રાથમિક શિક્ષણ ચાણસ્મામાં લીધું.
ત્યારબાદ વડોદરા ફીમેલ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં સન ૧૯૨૯ થી ૧૯૩૨ દરમિયાન “ઉત્તમ પદ”ની ત્રણ વર્ષની તાલીમ લઈ શૈક્ષણિક ક્ષેત્રે વ્યવસાયિક યોગ્યતા પ્રાપ્ત કરી. રાષ્ટ્રભાષાનો અભ્યાસ કરી ઈતર પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયાં.
તા. ૫-૫-૧૯૨૭ના રોજ સરકારી ગુજરાતી શાળા, ચાણસ્મામાં માસિક રૂા . ૧૨ ના પગારથી શિક્ષિકા તરીકે હંગામી નિમણૂક પામ્યાં. ત્યારપછી કાલરી, પરમોડા, પીંપળ વગેરે ગામોની પ્રાથમિક શાળાઓમાં સેવા આપી. તા. ૧-૭-૩૨થી સરકારી ગુજરાતી કન્યાશાળા, નારદીપુરમાં મુખ્યશિક્ષિકા તરીકે નીમાયાં, હવે ‘ ઉત્તમ પદ’ની લાયકાતથી તાલીમી હોઈ કાયમી થયાં. કોડીનાર, ચાણસ્મા, વડાવલી, હારીજ વગેરે. સ્થળોએ પ્રાથમિક શિક્ષણક્ષેત્રમાં સફળ કામગીરી બજાવી. તે દિવસોમાં કાચા રસ્તા અને નહિવત્ વાહનવ્યવહાર હતો. મેનાબેન ઘોડેસવારી કરી ગામડાઓમાં અવરજવર કરતાં. પાછલાં વર્ષોમાં ચાણસ્મા તાલુકાની તેમજ મહેસાણા જિલ્લાની પ્રાથમિક કન્યાશાળાઓમાં કેળવણી નિરીક્ષક તરીકે દશ વર્ષ ફરજ અદા કરી.
દેશ પરતંત્ર હતો. નિરક્ષરતા વ્યાપક હતી. તે સમયે અનેક અગવડો વેઠીને હિંમત અને સહિષ્ણુતાથી મેનાબેને કન્યા કેળવણીની મશાલ ધારણ કરી નિષ્ઠાપૂર્વક સમગ્ર જિલ્લામાં ઠેરઠેર સેવા બજાવી.
મેનાબેનને ત્રણ ભાઈઓ – નથ્થુભાઈ, અંબાલાલ અને મોહનભાઈ, પિતાશ્રી છગનલાલનું અકાળે અવસાન થતાં બહોળા સંયુક્ત કુટુંબના વડા તરીકેની જવાબદારી તેમના શિરે આવી પડી. કૌટુંબિક જવાબદારીના પડકારને ઝીલવા તેઓ આજીવન અપરણિત રહ્યાં. પરિવારની પ્રગતિ અને આજીવિકા માટે અથાગ પુરુષાર્થ આદર્યો. કુટુંબમાં સૌકોઈ તેમનો પડતો બોલ ઝીલતું અને તેમની આમન્યા જળવાતી. તેમનું અંગત જીવન નિખાલસ અને શિસ્તબદ્ધ હતું. તેઓ ઘરમાં અને બહાર પુરુષસમોવડાં હતાં.
શિક્ષણક્ષેત્ર ઉપરાંત સામાજિક સેવામાં પણ તેઓ સક્રિય રહ્યો . સંસ્થાના વહીવટમાં પ્રામાણિક્તા અને અનુશાસન માટે તેઓ સતત આગ્રહી રહ્યાં. પુનમચંદ બાલમંદિરમાં વર્ષો સુધી માનદ્ સેવા બજાવી. ટયુશન ફી લીધા વિના ફાજલ સમયમાં તેઓ બાળકોને પોતાના ઘેર બોલાવી ભણાવતાં. મેનાબેનમાં સ્ત્રીકાર્યકર તરીકેની ખુમારી પ્રેરણાદાયી હતી. ચાણસ્માના અગ્રગણ્ય બુઝર્ગ નાગરિક અને આજીવન સંનિષ્ઠ શિક્ષક શ્રી શંકરલાલ રાજસંગ પટેલ મેનાબેનના જુસ્સાને અને ખમીરને બિરદાવી પ્રોત્સાહન આપતા.
મેનાબેન ચાણસ્મા સુધરાઈના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલાં. તેઓ તટસ્થ અને સેવાભાવી મહિલા તરીકે ખ્યાતિ પામ્યાં હતાં. સુધરાઈના પ્રમુખશ્રીને ચાણસ્માના વિકાસકાર્યોમાં તેમણે નોંધપાત્ર સહયોગ આપેલો. તેઓ તા . ૪-૮-૬૮ના રોજ અવસાન પામ્યાં, તે ઘડીપર્યંત કાર્યરત ૨હ્યાં.
આ પ્રેરણામૂર્તિના હાથ નીચે અનેક ભાઈબહેનોનું જીવનઘડતર થયું છે. સન ૧૯૨૭ થી ૧૯૬૭ સુધી ૪૦ વર્ષ તેમણે શિક્ષણક્ષેત્રમાં વણથંભી વિકાસયાત્રા ચાલુ રાખીને કરેલ સમાજસેવા અવિસ્મરણીય રહેશે.

-સંદીપ પટેલ”કસક”

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version