(માહિતી બ્યુરો, પાલનપુર)
ભારત સરકાર દ્વારા ટ્રાન્સ જેન્ડર લોકો માટેના કાયદા અંતર્ગત તેમને વિવિધ પ્રકારની યોજનાઓ તેમજ સરકારી લાભો સરળતાથી મળી રહે અને ટ્રાન્સ જેન્ડર લોકોની સમાજમાં ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે ટ્રાન્સ જેન્ડર લોકોને પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ આપવામાં આવ્યા હતા. ટ્રાન્સ જેન્ડર લાભાર્થીઓ શ્રી મુસ્કાન ગુલાબઅલી તેલીયા અને સોનયાદે નાસ્તરખાન પઠાણને કલેકટરશ્રીએ ઓળખપત્ર એનાયત કરતા તેમણે ઓળખ મળ્યાનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે ટ્રાન્સ જેન્ડર લોકોને અનુરોધ કરતા જણાવ્યું કે,સરકારશ્રી દ્વારા ટ્રાન્સ જેન્ડરના કલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવી છે. તેનો લાભ લઇને સમાજમાં ગૌરવભેર જીવન જીવીએ. આ અંગેની માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતુ. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મનીષ જોષીએ પણ ટ્રાન્સ જેન્ડર લાભાર્થીઓને ઓળખકાર્ડ મેળવવા અપીલ કરી છે.