પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ વેક્સિનેશનના ૧૦૦ કરોડ ડોઝની સિમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણી

0
1

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ખુલ્લા આકાશમાં ૧૦૦ બલુન તરતા મુકી આપ્યો સુરક્ષિત રસીકરણનો સંદેશ

પાટણ
દેશભરમાં કોરોના વેક્સિનના ૧૦૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે જેની ઉજવણીના ભાગરૂપે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં આ સિમાચિહ્નરૂપ સિદ્ધિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
કોરોના વાયરસ સામે લડવા રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે ત્યારે ગત તા.૧૬ જાન્યુઆરી,૨૦૨૧ થી દેશભરમાં શરૂ કરવામાં આવેલા કોવિડ વેક્સિનેશન અભિયાન અંતર્ગત આજદિન સુધી કોરોના પ્રતિરોધક રસીના ૧૦૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં આ સિમાચિહ્નરૂપ સિદ્ધીની ઉજવણી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં તબીબો, નર્સીંગ સ્ટાફ તથા આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ખુલ્લા આકાશમાં ૧૦૦ જેટલા બલુન તરતા મુકીને સુરક્ષિત રસીકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતવર્ષ માટે આજે ઐતિહાસિક દિવસ છે. માત્ર ૧૦ મહિનાના ટૂંકાગાળામાં ૧૦૦ કરોડ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે, જે વિશ્વ કક્ષાએ પણ એક સિદ્ધિ છે. રાજ્યની સાથે સાથે પાટણ જિલ્લો પણ વેક્સિનેશનની કામગીરીમાં અગ્રેસર રહ્યો છે. જે લોકોને કોરોના પ્રતિરોધક રસી લેવાની બાકી હોય તે તમામને સત્વરે રસીકરણ કરાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પાટણ જિલ્લાના ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ૮,૪૭,૨૦૦થી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ તથા ૪,૮૦,૨૪૬ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૦ કરોડ વેક્સિનેશનની થીમ પર રંગોળી પૂરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં નાગરીકોને કોરોના પ્રતિરોધક રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો.
…………………

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here