પાટણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાનો વિદાય સમારંભ યોજાયો

0
6
  પાટણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાની અમદાવાદ ડેપ્યુટી મ્યુનસિપલ કમિશનર તરીકે બદલી થતા જિલ્લા પંચાયતના સ્ટાફ તથા વહીવટી તંત્ર દ્વારા સ્વર્ણિમ હૉલ, જિલ્લા પંચાયત  ખાતે તેમનો વિદાય સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. 
  પાટણ જિલ્લામાં નવ મહિના સુધી જિલ્લા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી સુપેરે સંભાળનાર શ્રી રમેશ મેરજાના વિદાય સમારંભમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે શ્રી રમેશ મેરજાએ પોતાની ફરજ દરમિયાન કોરોનાની ત્રીજી લહેરમાં ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. પાટણ જિલ્લામાં રસીકરણ અભિયાન પણ તેઓના માર્ગદર્શનમાં વેગવંતુ બન્યુ હતું. તેઓને મળેલ નવી જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના માટે તેમને બદલ શુભકામનાઓ પાઠવું છું. જિલ્લા કલેકટરશ્રીએ શ્રી રમેશ મેરજાને શાલ ઓઢાડી પુષ્પગૂચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડે શ્રી રમેશ મેરજા સાથે જૂના સંભારણા વાગોળતાં કહ્યું હતું કે તેઓને યુવા વયથી જ સનદી અધિકારી બનવા માટેની પ્રેરણા શ્રી મેરજા પાસેથી મળી હતી. તેઓ સરળ સ્વભાવના અને એક સાચા ટીમ લીડર છે. તેઓ પાટણ જિલ્લાના કાર્યકાળ દરમિયાન સતત પ્રવૃતિશીલ રહ્યા હતા.

નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી આર.એન. પંડયાએ જણાવ્યું કે શ્રી રમેશ મેરજા સાચા અર્થમાં કર્મયોગી અને બાહોશ અધિકારી છે. દરેક બાબતમાં ત્વરિત નિર્ણય લઈ કામપૂર્ણ કરવાનો એમનો સ્વભાવ રહ્યો છે. પાટણ જિલ્લાના નાગરિકોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળે એ માટે તેઓએ ખૂબ સરાહનીય કામગીરી કરી છે.
શ્રી રમેશ મેરજાએ એમના વિદાય સમારંભમાં જણાવ્યું કે આઈ.એ.એસ બન્યા બાદ તેમનું પ્રથમ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોસ્ટિંગ પાટણ ખાતે થયું હતું. પાટણ જિલ્લાને શ્રેષ્ઠ બનાવવાની તેમ સાથે પ્રયાસ કરીને સી.એમ ડેશબોર્ડમાં જિલ્લાને ૨૨ મા ક્રમેથી પ્રથમ ક્રમે લઈ જવાનું ગૌરવ સૌના સહકારથી મળ્યું છે. તેઓએ જણાવ્યું કે પાટણ જિલ્લામાંથી મળેલ પ્રેમ બદલ હું ગદગદિત છું. નાગરિકોએ આપેલ સાથ-સહકાર બદલ સૌનો ઋણી છું. તેઓએ જણાવ્યું કે પાટણ જિલ્લામાંથી ઘણું શીખવા મળ્યું છે. મારી નોકરી દરમિયાન વિવિધ સ્થળોએ યોજાયેલ વિદાય સમારંભમાં આજનો સમારંભ સૌથી શ્રેષ્ઠ અને યાદગાર છે.
પાટણ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી દીપમાલાબેન પટેલ, વિરોધ પક્ષના નેતાશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભરત જોષીએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાની કાર્યપ્રણાલીને બિરદાવીને તેમને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયતની વિવિધ શાખા અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ શ્રી રમેશ મેરજાને મોમેન્ટો આપી ભાવભરી વિદાય આપી હતી. આ વિદાય સમારંભમાં મદદનીશ કલેક્ટરશ્રી સચિન કુમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પલ્લવી બારૈયા, જિલ્લા પંચાયતના તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here