જિલ્લા વન વિભાગ નવ તાલુકાઓમાં ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો ઉભા કરાશે.
ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને તુરંત સારવાર મળી રહે તે હેતુથી અભિયાન હાથ ધરાયું..
હેલ્પલાઇન નંબર 1962 શરૂ કરાશે, ફરતા પશુ દવાખાના મારફતે ઘાયલ પક્ષીઓની સારવાર કરાશે..
8320002000 પર “karuna” ટાઈપ કરવાથી નજીકના સારવાર કેન્દ્રની માહિતી મળશે…
પાટણ તા.6
રાજ્યમાં દર વર્ષે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણ પર્વ દરમિયાન ઓછામાં ઓછી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થાય તેમજ ઘાયલ પક્ષીઓને તુરંત સારવાર મળી રહે તે હેતુસર કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. ત્યારે પાટણ વન વિભાગ દ્વારા અધિક નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં કરૂણા અભિયાનની મિટિંગ યોજવામાં આવી હતી.
ઉત્તરાયણ નજીક આવતા ચાલુ વર્ષે પણ પાટણ જિલ્લાના તમામ તાલુકામાં વનવિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓના કલેક્શન કેન્દ્રો બનાવવામાં આવશે. જે તા. 10 જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી દરમિયાન સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
પશુપાલન વિભાગ દ્વારા પશુ પોલિક્લિનીક, પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના મારફતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. નોંધનીય છે કે ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇનીઝ દોરી, નાયલૉન કે સિન્થેટીક દોરાનો ઉપયોગ ન થાય તે માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 હેઠળ જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે.
ચાલુ વર્ષે ઘાયલ પક્ષીઓને નજીકના જલ્દી સારવાર મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર 8320002000 પર “karuna” ટાઈપ કરવાથી નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવી શકાશે. તદઉપરાંત હેલ્પલાઇન નંબર 1962ની મદદ પણ લઈ શકાશે.
અબોલ પક્ષીઓ ઓછામાં ઓછા ઘાયલ થાય તે માટે શાળાઓના બાળકોને માહિતગાર કરવા વનવિભાગની કરૂણા અભિયાનની વીડિયો ક્લિપ બાળકો સુધી પહોંચે તે માટે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે. કરૂણા અભિયાન મિટિંગમાં પાટણ વન વિભાગના નાયબ વન સંરક્ષક, નાયબ પશુપાલક નિયામક, નાયબ પોલીસ અધિક્ષક, પાટણ વન વિભાગના પરિક્ષેત્ર વન અધિકારીઓ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારીના પ્રતિનિધિઓ, યુજીવીસીએલના પ્રતિનિધિ, જીવદયા સાથે સંકળાયેલા એનજીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટર.કમલેશ પટેલ. પાટણ