બે રૂપિયાથી માંડી પચાસ રૂપિયા સુધીના કોડિયા અને પાંચસો રૂપિયા સુધીના માટીના અવનવા ઝુંમરોએ વિષેશ આકર્ષણ જમાવ્યું…
પાટણ તા.૨૬
પરંપરાગત માટીકામ સાથે સંકળાયેલા પાટણના ઓતિયા પરિવાર દ્વારા આ વખતે દિવાળીના તહેવારને અનુલક્ષીને વિવિધ કોડિયા, દિવા, અને ઘર સજાવટની અવનવી આઇટમો બજારમાં મુકવામાં આવી છે.
બે રૂપિયાથી માંડી પચાસ રૂપિયા સુધીના કોડિયા અને પાંચસો રૂપિયા સુધીના માટીના અવનવા ઝુંમર આ વખતે વિશેષ આકર્ષણ બની રહ્યા છે.
દિવાળીએ પ્રકાશનો પર્વ છે. જેમાં પ્રકાશ પાથરતા નાના કોડિયા-દિવાનું વિશેષ મહત્વ રહેલું છે.લોકો પોતાના ઘર આંગણામાં દિવા પ્રગટાવી પ્રકાશ પર્વની ઉજવણી કરતા હોય છે, ત્યારે પાટણ શહેરમાં માટીકામ સાથે સંકળાયેલ ઓતિયા પરિવાર આજે પણ માટીના વિવિધ વાસણો, મૂર્તિઓ અને વિવિધ તહેવારોને અનુલક્ષી માટીની વિવિધ આઇટમો બનાવી પરંપરાગત વ્યવસાયને જીવંત રાખ્યો છે ત્યારે દિવાળીના તહેવારની શોભા ગણાતા દિવા કોડિયા વીસેસ આકર્ષણ જમાવતા હોય છે.વિવિધ પ્રકારના પચાસ જેટલા કોડિયા, પંદર પ્રકારના ઘંટડીવાળા ઝુંમર, તુલસી ક્યારો, જાદુઈ દીવો,હાથી પર દિવા, ફાનસ જેવી અવનવી આઇટમો માટી માંથી બનાવવામાં આવી છે.
કોડિયા બનાવનાર કારીગર નવીનભાઈ ઓતિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે માટીકામના ધંધાને પણ અસર પહોંચી હતી. પરંતુ આ વખતે ઘરાકી ખુલવાની આશા છે, ચાઈનીઝ આઇટમો સામે માટી માંથી બનાવેલી આઇટમો ટકાઉ હોય છે અને ચાલતી હોય છે તેમજ માટીની આઇટમો સાથે લોકોનું ધાર્મિક ભાવનાત્મક જોડાણ હોઈ તહેવારમાં લોકો માટીની આઇટમો ખરીદતા હોય છે.
પાટણનો ઓતિયા પરિવાર સમગ્ર રાજ્યમાં માટીકામના કલાકાર તરીકે ખ્યાતિ ધરાવે છે અને પાટણના વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત રમકડાં બનાવનાર કલાકાર તરીકે સરકારી સન્માન મેળવી ચુક્યો હોવાનું તેઓએ જણાવ્યું હતુ.