દાહોદ જીલ્લાની શ્રેષ્ઠ અને મનને ગમે એવી શાળા એટલે માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રા. શાળા.

0
20
           ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડીટેશન કાઉન્સીલ દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા ગુણોત્સવ-૨.O નું મૂલ્યાંકન થઇ ગયું.જેમાં દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રા. શાળાએ ૮૫.૧૫ (એ પ્લસ થ્રી સ્ટાર) ટકા મેળવીને સમગ્ર દાહોદ જીલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. સાથે સાથે આ ગુણોત્સવમાં ગુજરાતની શ્રેષ્ઠ ચૌદ શાળાઓમાં પણ આ શાળાએ સ્થાન મેળવેલ છે ત્યારે આ નાનકડી શાળા દાહોદ જીલ્લા માટે તથા રાજ્યની અન્ય શાળાઓ માટે રોલ મોડલ બનેલ છે.અધ્યયન અધ્યાપન ક્ષેત્રની વાત કરીએ તો બાળકોની એકમ કસોટી સમયસર લેવી,સમયસર તપાસવી, અધ્યયન નિષ્પતિ સિદ્ધ કરવામાં જે બાળકની કચાશ જોવા મળે તે બાળકનું ઉપચારાત્મક કાર્ય કરીને સતત મહાવરાને અંતે પુનઃ કસોટી લઈને બાળકની અધ્યયન નિષ્પતિ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આ બાળકના  પ્રગતિ રીપોર્ટની જાણ વાલીને સમયસર કરવામાં આવે છે. લોકભાગીદારી અને શાળા સ્ટાફના પોતાના ખર્ચે શાળામાં રંગરોગાન અને જરૂરિયાત મુજબનું રીપેરીંગ કામ કરીને મનને ગમે એવી શાળાનું નિર્માણ કરેલ છે.મુખ્ય રસ્તાથી શાળા સુધી જવાના રસ્તા માટેની જમીન લોકભાગીદારીથી મેળવેલ છે.કોઈ પણને ગમી જાય એવો  શાળાનો પ્રવેશદ્વાર શાળાની આગવી એક શોભા છે.વર્ગખંડની દીવાલો બોલતી કરેલ છે. બાળક પોતાની જાતે શીખી શકે તે માટે એક આદર્શ પ્રજ્ઞા રૂમ તૈયાર કરેલ છે. શાળામાં ખુબ મોટા પ્રમાણમાં ટીએલએમ બનાવવા માટેનું રો-મટીરીયલ્સ ઉપલબ્ધ છે.અધ્યયન નિષ્પતિ અનુસાર શાળા પરિવાર સાથે બેસીને બાળકોની મદદથી ટીએલએમ નિર્માણ કરી તેનો ઉપયોગ શિક્ષણકાર્યમાં કરવામાં આવે છે.શાળામાં સ્વ.ખર્ચે આઠ સીસીટીવી કેમેરા મુકીને શાળાની સુરક્ષામાં વધારો કરવામાં આવેલ છે. 
        કોવિડ-૧૯ ના સમયમાં શાળાઓ બંધ છે પણ શિક્ષણ ચાલુ છે.બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તેવી કોઈ પણ સગવડ બાળકો પાસે નથી.ત્યારે આવા સમયે શાળાએ પોતાના ખર્ચે ગામમાં ત્રણ જગ્યાએ ટીવી સેટ નાખ્યા.ઓનલાઈન શિક્ષણ બાદ બાળકોને વધારે મહાવરો મળી રહે એ આશયથી ત્રણ જગ્યાએ  ફળિયા ફળિયા શિક્ષણ શરુ કરવામાં આવ્યું.આ ફળિયા શિક્ષણમાં બાળક ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવી શકે એ માટે પ્રોજેક્ટર તથા જરૂરી ટીએલએમનો ઉપયોગ કરવામાં આવે છે.ફળિયા શિક્ષણ પૂરું થયા બાદ એક કલાકની રિશેષ પાડવામાં આવે છે.જેમાં બાળક ઘરે જઈને ભોજન કરે છે ત્યાર બાદ બાળક ફરી નક્કી કરેલા ટોળી નાયકના ઘરે જઈને અભ્યાસ કરે છે.જ્યાં ટોળી  નાયક અન્ય બાળકોને ભણાવવાનું કામ કરે છે.ટોળી નાયક દ્વારા પિયર લર્નિંગના કુલ છ પોઈન્ટ નક્કી કરવામાં આવેલ છે.જેથી બાળકો  આ કોરોનાકાળમાં પણ આખો દિવસ શિક્ષણ સાથે ઓતપ્રોત રહી શક્યા  છે. કોવિડ-૧૯ ના સમયમાં શિક્ષણની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓમાં પણ શાળા મોખરે રહી છે.મોબાઈલ ટુ સ્પોર્ટ્સ અંતર્ગત લોકગીત અને લગ્નગીતમાં શાળાના બાળ કલાકારો દાહોદ જીલ્લામાં પ્રથમ આવેલ છે. ખેલ મહાકુંભમાં અન્ડર-૯ બહેનોના વિભાગમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની રમતમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને બીજો નંબર મેળવી શાળાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવેલ છે. શાળાના આઠ બાળકો  ગુજરાત સરકારની અદ્યતન સુવિધા યુક્ત સ્પોર્ટ્સ હોસ્ટેલોમાં રહીને આજે શિક્ષણ મેળવી રહ્યા છે.ત્યારે આગામી સમયમાં વધારેમાં સ્પોર્ટ્સ હોસ્ટેલોમાં રહીને આજે શિક્ષણ મેળવી રહ્યા છે.ત્યારે આગામી સમયમાં વધારેમાં વધારે બાળકોની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં પસંદગી થાય એ માટે બાળકો  આ કોરોનાકાળમાં પણ  સ્વયં પોતાની રીતે પ્રેક્ટિસ કરે છે.
       નાવીન્યપૂર્ણ પ્રયોગો કરવામાં પણ આ શાળા દાહોદમાં મોખરાનું સ્થાન ધરાવે છે.રાજ્યકક્ષા સુધી એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં ભાગ લઈને આદરણીય શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ સન્માન મેળવેલ છે.કોવિડ-૧૯ ના સમયમાં પણ શાળાના બે ઇનોવેશનની પસંદગી જીલ્લા કક્ષાએ થઇ હતી.સાથે સાથે ઓનલાઈન રમકડા મેળામાં પણ શાનદાર રજૂઆત કરી જીલ્લા સુધી ભાગ લીધેલ છે. હાલમાં ફળિયા શિક્ષણમાં પણ બાળકો નવતર પ્રયોગ કરે છે. શાળામાં આવતા સમાચાર પેપરનો ઉપયોગ શિક્ષણમાં કરે છે. સમાચાર પેપરમાં આવતી વાર્તાઓ,પ્રેરણાત્મક લેખો,આયુર્વેદના લેખો,નારી શક્તિના લેખો,સુંદર ચિત્રોનું એકંદરીકરણ,તફાવત શોધો, ટપકા જોડી ચિત્ર પૂરું કરો,જોક્સ,તથા સમાચાર પેપરમાંથી શબ્દોનું કટીંગ કરી તેને એક કાગળ ઉપર તેનું શબ્દકાર્ડ બનાવવું જેવી પ્રવૃતિઓ ફળિયા શિક્ષણમાં બાળકો દ્વારા કરવામાં આવે છે.ફળિયા શિક્ષણમાં બાળકો અને ગામના ભણેલા વાલીઓ શાળા પુસ્તકાલયનો વધુમાં વધુ ઉપયોગ કરે એ માટેના શાળા કક્ષાએ પ્રયત્નો કરવામાં આવેલ છે.શાળા સલામતી અંગે બાળકોમાં જાગૃતતા આવે એ માટે શાળાએ  ચોક્કસ આયોજન કરેલ છે.      
        શાળા પરિસરમાં વર્ષોથી માત્ર એક જ ઝાડ હતું. શાળાની વચ્ચોવચ્ચ ગામમાં આવ-જા  કરવા માટેનો રસ્તો હતો.એસએમસી અને આજુબાજુના પરિવારો સાથે વિચાર-વિમર્શ કરીને આ રસ્તો બંને બાજુથી બંધ કરી દીધો અને શાળામાં વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરી.ગામના પંચાસી વર્ષથી વધારે ઉમર વાળા વયોવૃદ્ધ વડીલો પાસે વૃક્ષારોપણ કરાવ્યું.જેથી જે તે વડીલના પરિવારના બાળકો જે-તે ઝાડને સાચવે અને માવજત કરે.જેના ખુબ સારા પરિણામો મળ્યા.આજે શાળામાં ૩ પીપળા,૧૫ આંબા,૧૦ જાંબા,૩ સીંદુરી,૫ આંબળી,૨ આંબલી, ૨ ગોરસ આંબલી,૧ ખજૂર,૧ નારીયેળી,૧ લીમડો,૧ બોર,૨ બાવળ,૧ જામફળી, ૧ ચીકુડી, ૧ મોસંબી,૧ લીન્બી,૩ સીતાફળ, ૩રામફળ, ૩હનુમાનફળ, ૫ પપૈયા, ૧૦ કેળ, ૪ અશોકવૃક્ષ,અને ૨ બોરસલ્લી  મળીને કુલ ૭૮ જેટલા ઝાડવાઓનું વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવેલ છે.આવનારા સમયમાં તમામ ફળ બાળકોને ખાવા મળે તેવું આયોજન શાળાએ કરેલ છે.શાળા કેમ્પસમાં ઝાડવાઓને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે ચારે બાજુ જુદા જુદા રંગોથી સજ્જ પાળી બનાવવામાં આવી.આ પાળી ઉપર મુકવા માટે ૧૦૪ જેટલા કુંડા બનાવ્યા. જેમાં ફૂલોમાં પણ જુદા જુદા પ્રકારના ગુલાબ,મોગરો,જાસુદ,ચાંદની જેવા છોડવાઓનું વાવેતર કરવામાં આવ્યું.શાળા પરિસરમાં જુદા જુદા સુશોભન છોડનું વાવેતર કરીને બાળકોને મોટા મોટા બગીચાઓમાં આવેલ છોડવાઓનો પરિચય કરાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.આજના વર્તમાન યુગમાં બાળકો આપણી પ્રકૃતિમાંથી મળતી ઔષધિને પણ ઓળખે અને તેનો ઉપયોગ પોતાના જીવનમાં કરે એ હેતુથી શાળામાં આયુર્વેદના છોડવાઓ જેવા કે કુવારપાઠું,પાનફૂટી,અરડુંશી,ગળો,બ્રાહ્મી,બોરસલ્લી,અજમો,ફુદીનો,અશ્વગંધા, સાંધવેલ, જેવા આયુર્વેદ છોડવાઓનું વાવેતર કરવામાં આવ્યું.લજામણી જેવા છોડોનું વાવેતર કરીને બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. કમ્પાઉંડવોલને અડીને ચારેબાજુ વાવેલી મહેંદી શાળાની શોભામાં વધારો કરે છે.
          શાળામાં પીવાના પાણીની ખુબ ઉત્તમ વ્યવસ્થા છે.વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત મળેલ આરો પ્લાન્ટનું પાણી શાળામાં ઉપલબ્ધ છે.શાળામાં કુમાર-કન્યા માટે અલગ પુરતી સુવિધાયુક્ત સેનીટેશનની વ્યવસ્થા છે. સેનિટેશનમાંથી બહાર નીકળતા બાળક હેન્ડ વોસ કરી સુવિધાયુક્ત સેનીટેશનની વ્યવસ્થા છે. સેનિટેશનમાંથી બહાર નીકળતા બાળક હેન્ડ વોસ કરી શકે એ માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
          ખરેખર,આજે ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી આ શાળા અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ છે.ગુણોત્સવ ૨.O માં ઉત્કૃષ્ઠ પરિણામ લાવવા બદલ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ તથા ગણપતભાઇ વસાવા દ્વારા આ શાળાનું બહુમાન કરવામાં આવ્યું છે. દાહોદ જીલ્લાના કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી,જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,ડાયટ પ્રાચાર્ય, મામલતદાર ધાનપુર,તાલુકા વિકાસ અધિકારી ધાનપુર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ધાનપુર દ્વારા પણ આ શાળાને સન્માન મળેલ છે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here