તુમાર, પેન્શન કેસીસ, તકેદારી આયોગના પત્રો, તાબાની કચેરીઓમાં
તપાસણી, સરકારી લેણાની વસુલાત જેવી
બાબતોની સમીક્ષા કરતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી
અહીં કલેક્ટર કચેરી ખાતે દાહોદ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક આજે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓને એવી સૂચના આપવામાં આવી છે કે સાંસદ કે ધારાસભ્ય તરફથી મળતા સમસ્યા નિવારણ અંગેના પત્રોનો એક પખવાડિયામાં પ્રત્યુત્તર આપી દેવો અને તેનું રજીસ્ટર નિભાવવું.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આ બેઠકમાં રાજ્ય સરકારની કચેરીઓમાં પડતર તુમાર, પેન્શન કેસીસ, મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમ, તકેદારી આયોગના પત્રો, તાબાની કચેરીઓમાં તપાસણી, સરકારી લેણાની વસુલાત, કર્મચારીઓ સામેના પ્રાથમિક તપાસના કેસીસ, આરટીઆઇ અને નાગરિક અધિકાર પત્રોની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
કલેક્ટરશ્રી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે દાહોદ જિલ્લાના આદિવાસી યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના માર્ગદર્શક ક્લાસીસ શરૂ કરવાની પ્રક્રીયા વિચારણા લીધી છે. તે અંતર્ગત દાહોદ નગર સહિત જિલ્લામાં યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટે આગામી દિવસોમાં નોડેલ વિભાગ નક્કી કરી તેનું આયોજન હાથ ધરવામાં આવશે, તેવું નિયત કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શાળાઓ, આરોગ્ય કેન્દ્રો માટે જમીન ફાળવણી તથા ગૌચરની જમીનમાં થયેલા દબાણો દૂર કરવા જેવી બાબતો મુખ્ય હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરમારે અધિકારીઓને તેમના હસ્તકની યોજનાની વિગતો એક અઠવાડિયામાં આપી દેવા સૂચના આપી હતી. આ વિગતો ડિસ્ટ્રીક્ટ એકશન પ્લાન તૈયાર કરવા માટે માંગવામાં આવી છે.
આ ઉપરાંત, રાજ્ય સરકારની કચેરીઓમાં ફરજ બજાવતા અને લાયકાત ધરાવતા કર્મયોગીઓ માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કલેક્ટર કચેરીમાં એક કેમ્પ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કેમ્પ તાલુકાકક્ષાએ પણ યોજવામાં આવશે. આ બાબતની જાણકારી કર્મયોગીઓને આપવા કહેવામાં આવ્યું છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી અશોક પાંડોર સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ