દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતગણતરી સ્થળોએ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે મહત્વના આદેશો કરાયા

0
6

દાહોદ, તા. ૧૮ : દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તા. ૧૯ ડિસેમ્બરે તેમજ મતગણતરી તા. ૨૧ ડિસેમ્બરનાં રોજ યોજાશે. જેમાં દાહોદ તાલુકામાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે, ગરબાડા તાલુકામાં મોડેલ સ્કુલ ખાતે, ઝાલોદમાં સરકારી વિજ્ઞાન કોલેજ, ઝાલોદ, ફતેપુરામાં શ્રી આઇ.કે. હાઇસ્કુલ ખાતે, સંજેલીમાં તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી ખાતે, લીમખેડામાં મોડેલ સ્કુલ, પાલ્લી ખાતે, સીંગવડમાં મામલતદાર કચેરી, આઇટીઆઇ બિલ્ડીંગ ખાતે, ધાનપુરમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે, દેવગઢ બારીયામાં મોડલ સ્કુલ ખાતે મતગણતરી યોજાશે.
આ મતગણતરી સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિપૂર્ણ રીતે મતગણતરી થઇ શકે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે એક જાહેરનામા થકી મહત્વના આદેશો કર્યા છે. જાહેરનામા મુજબ, મતગણતરીના સ્થળેથી ૨૦૦ મીટરની ત્રિજયામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એક સ્થળે ભેગા થવું નહી કે અવરજવર કરવી નહી.
તમામ મતદાન ગણતરી સ્થળે શસ્ત્રો, દંડા, તલવાર, ઘોકા, બંદુક, છરો, લાકડી કે લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું કોઇ પણ સાધન લઇ જવું નહી. કોઇ પણ ક્ષયકારી પદાર્થ કે સ્ફોટક પદાર્થ સાથે લઇ જવો નહી. પથ્થર અથવા ફેકી શકાય તેવી બીજી કોઇ પણ વસ્તુઓ ફેકવાના-ધકેલવાના યંત્રો, સાધનો લઇ જવા નહી તથા તૈયાર કરવા નહી. મનુષ્યોની આકૃતિઓ, શબો અથવા પુતળા દેખાડવા નહી. અપમાનિત કરવાના અથવા જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહી, બિભત્સ ગીતો ગાવા નહી, ટોળામાં ફરવું નહી.
આ ઉપરાંત જેનાથી સુરૂચી-નીતિનો ભંગ થાય તેમજ જાહેર શાંતિ અને કાયદો વ્યવસ્થા ખોરવાઇ તેવું ભાષણ કરવું નહી, તેવા હાવભાવ કરવા નહી, તેવી ચેષ્ટા કરવી નહી તથા તેવા પત્રકો, પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પણ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવા નહી, બતાવવા નહી કે ફેલાવવા પણ નહી.
સરકાર દ્વારા અધિકૃત કરેલી સરહદોને ઓળંગવાનો પ્રયત્ન કરવો નહી. સરકારી મિલકતો-વાહનોને નુકશાન પહોંચાડવું નહી કે પહોંચાડવાનો પ્રયાસ કરવો નહી. આ જાહેરનામોનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here