દાહોદ જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા
એક વર્ષમાં ૬૯૦૦૯ પશુઓની સારવાર
૦૦૦
દૂધાળા પશુઓને જટીલ રોગોમાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ઘર બેઠા સારવાર કરાતી હોવાથી પશુપાલકોને રાહત
૦૦૦
ગાયભેંસ ઉપરાંત ઘોડા, બકરા, ઊંટ, કબૂતર, વાંદરાની પણ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર કરવામાં આવે છે
૦૦૦
લીમખેડા તાલુકાના પાડા ગામના પશુપાલક પંકજભાઇ ચૌહાણને એક મુસીબત આવી પડી. તેમની ગર્ભવતી ભેંસ પ્રસવની પીડાથી ભાંભરતી હતી. પણ કોઇ ઉકેલ આવતો નહોતો. આવા સંજોગોમાં તેમણે ૧૯૬૨ નંબર ઉપર ફોન કર્યો અને કરુણા પશુ એમ્બ્યુલન્સને બોલાવી. પશુ ચિકિત્સા અધિકારી ડો. ભાનુસિંહ પરમારે ભેંસની તપાસ કરી તો બચ્ચુ ગર્ભાશયમાં જ મૃત્યું પામ્યું હતું. તેમણે ત્રણ કલાક લાંબા ઓપરેશન બાદ મૃત્ય બચ્ચાને બહાર કાઢી ભેંસને બચાવી લીધી. દાહોદ જિલ્લામાં શરૂ કરવામાં આવેલી કરુણા પશુ એમ્બ્યુલન્સ પંકજભાઇ જેવા અનેક પશુપાલકો માટે આશીર્વાદરૂપી સાબિત થઇ રહી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કરુણા પશુ એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધી કુલ મળીને ૬૯૦૦૯ પશુઓને સારવાર લગતા કોલ મળ્યા છે. ૬૨૩૮૫ શિડ્યૂલ દરમિયાન ફાળવેલ 10 ગામમાં અને ઈમરર્જેંસી મા ૬૬૨૪ પશુની સારવાર કરવામાં આવી છે.
કરુણા પશુ એમ્બ્યુલન્સ દ્વારા દાહોદ જિલ્લાના તાલુકા પ્રમાણે કરાયેલી સારવારની સંખ્યા જોઇએ તો ઝાલોદમાં ૯૬૪૫, દાહોદમાં ૯૧૫૧, ફતેપુરામાં ૯૮૪૬, સિંગવડમાં ૪૧૫૫, લીમખેડામાં ૫૭૯૭, ધાનપુર તાલુકામાં ૩૮૭૮, સંજેલીમાં ૫૭૫૯ અને દેવબગઢ બારિયા તાલુકામાં ૧૦૧૭૯ પશુઓની સારવાર કરવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં કુલ ૧૭ આવા ફરતા પશુ દવાખાના છે. જેમાં દાહોદ તાલુકામાં મોટી લછેલી અને ટાડા લીમખેડા તાલુકામાં નાની વાસવાણી, સીઘવઙ તાલુકામાં તારમી, સજેલીની કરભા અને પીછોડા, ફતેપુરા તાલુકામાં ચીખલી અને મોટી ઢઢેલી, ઝાલોદમાં ગરાડું અને છાયણ, ધાનપુરમાં પીપેરો અને નાકટી તથા દેવગઢ બારીયા તાલુકા ખાતે કાળી ડુંગરી, સાગટાળા અને રામપુરા દેવી ખાતે આ ફરતા પશુ દવાખાના કાર્યરત છે.
કરુણા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવેલા રોગના પ્રકારો પણ જાણવા જોઇએ. દાહોદ જિલ્લાના પશુઓમાં મોટા ભાગે બાહ્ય પરોપજીવીની સારવાર આ સેવામાં કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ૨૭૯૫૭ પશુઓને બાહ્ય પરોપજીવીથી મુક્ત કરવામાં આવ્યા છે. આ જ રીતે ૫૨૪૭ પશુઓને ઘાની સારવાર અપાઇ છે. ૪૨૯૬ પશુઓના ગર્ભ પરીક્ષણ કરવામાં આવ્યા છે. ઘણી વખત એવું થાય છે કે પશુપાલકને માલૂમ પડતું નથી કે પશુને ગર્ભ રહ્યો છે કે નહીં ? એવા સમયે આ સેવા મદદ પૂરી પાડે છે. તાવના ૧૮૮૨, ઝાડાના ૧૨૦૪૦ કેસોમાં સારવાર આપવામાં આવી છે.
કૃમિના ૩૫૮૫, આફરાના ૯૯૦ કેસોમાં સારવાર આપવામાં આવી છે. વધારા પડતું લીલું ઘાસ ખાવાથી કે કોઇ ચારો ખાવાથી પશુઓને ગેસ થવાની સમસ્યાને આફરો કહેવામાં આવે છે. પાઠાના ૬૨૦, ઓર ના પડવાના ૩૦૦ ઉપરાંત ચાર કેસમાં ગાભણા પશુઓને સિઝેરીયન કરીને બચ્ચાને જન્મ આપવામાં આવ્યો છે. રાની પશુઓ દ્વારા હુમલામાં ઘાયલ થયેલા ચાર પશુઓને પણ આ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવી છે.
૨૮૯૪૦ ગાયો, ૧૭૦૧૩ ભેંસો અને ૨૧૬૨૦ બકરા ઉપરાંત ૩૩૪ કૂતરા, ૨૦ ઘોડા, ૪૭૪ મરઘા, ૨૦ ઊંટ, ૨૧ બિલાડી, ૧૦ કબૂતર, ૨૫ ચામાચીડીયા, ૧૦ કાગડા, ૧૭ ગઘેડા, એક બાજ, ૩૨ સસલા, ૨ વાંદરા, એક મોર અને એક ખીસકોલી જેવા પ્રાણીઓની પણ સારવાર કરવામાં આવી છે.
આમ, કરુણા એમ્બ્યુલન્સ દાહોદમાં ઉત્તમ સેવા કરી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર તથા જિલ્લા પશુપાલન અધિકારી ડો. કમલેશ ગોસાઇ, જિલ્લા પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રી અશોક જાંગીડ સમયાંતરે આ કામગીરીની સમીક્ષા કરતા રહે છે.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ