પરીવાર ધ્વારા માસ્ક,ઉકાળો અને વીમા પોલિસીનું વિતરણ કરાયુ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાનું પુંસરી ગામ વિકાસની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં નામના મેળવી છે. આ ગામના વિકાસમાં જેમનો ફાળો અમૂલ્ય ગણાય છે તેવા સમાજસેવક નટુભાઇ ચૌધરીની અગિયારમી પુણ્યતિથિએ ચૌધરી પરીવાર દ્રારા ગામમાં લોકસેવાના કાર્યો કરવામાં આવ્યા હતા.
નટુભાઈ ચૌધરીની પુણ્યતિથિ નિમિત્તે કોરોના કાળમાં લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી પુત્રવધૂ લીલાબહેન પટેલે પુંસરી ખાતે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને માસ્ક અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી કોરોના મહામારીથી રક્ષિત કરવાની સાથે ગામના ૫૦૦ લોકોના પ્રધાનમંત્રી વીમા યોજનાનું પ્રીમિયમ ભરી આર્થિક સુરક્ષા આપવાનો પ્રયત્ન કર્યો હતો.
આ નિમિત્તે પુંસરી તથા આસપાસના ગામના શુભેચ્છકો તેમજ તાલુકા પંચાયત સભ્ય મહેશસિહ પરમારએ શ્રદ્ધાંજલિ આપી હતી. સ્વર્ગીય નટુભાઇ ચૌધરી ધ્વારા સર્વજ્ઞાતીય સમૂહલગ્ન, અસ્થી બેંક, જરૂરિયાત મંદને કપડાં, મેડીકલ કેમ્પ દિકરીઓ દત્તક લેવા જેવા સેવાના કાર્યો કરવામાં આવ્યા હતા. ચૌધરી પરીવાર ધ્વારા આવા અનેક કામો સતત કરવામાં આવે છે