પ્રથમ દિવસે જ ગામમાં સ્વચ્છતા માટે ની પહેલ પ્રેરણારૂપ
વડગામ,
વડગામ તાલુકાની સમરસ ગ્રામપંચાયત ના સરપંચ અને સભ્યોએ સોમવારે પોતાનો ફરજ સંભાળી હતી. અને ચાર્જ લઈ સૌ પ્રથમ ગ્રામપંચાયત કચેરી અને કમ્પાઉન્ડમાં જાતેજ ઝાડું લઈ સફાઈ કરી એક આગવી પહેલ કરી હતી. જેને ગામના સૌ કોઈ લોકો એ આવકાર્યા હતા.
વડગામ તાલુકાની ડાલવાણા ગ્રામપંચાયતને સમરસ બનાવવા ગામના યુવાનો એકજુટ થયા હતા. ગામના કેટલાક લોકો ગ્રામપંચાયત સમરસ ન થાય તે માટે પોતાની અવળચંડાઈ પણ કરી હતી. તેમ છતાં ગામના યુવાનોની મક્કમતા આગળ કોઈનું ચાલ્યું ન હતું અને આખરે ગ્રામપંચાયત સમરસ બનતાં ગામમાં આનંદની લાગણી છવાઈ હતી. ત્યારે સોમવારે નવિન વરાયેલા સરપંચ અને સભ્યોને કાર્યભાર સંભાળવાનો હતો. સાથે ડેપ્યુટી સરપંચની વરણી પણ કરવાની હતી. જેમાં પણ સમરસતાના દર્શન થયા હતા. ડેપ્યુટી સરપંચ તરિકે અશરફખાન સિપાઈ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર્જ લેતાની સાથેજ સરપંચ પીન્કાબા રાજેન્દ્રસિંહ હડિયોલ અને સાથી સભ્યો એ પોતાના હાથમાં ઝાડું લીધા હતા. અને સૌ પ્રથમ ગ્રામપંચાયત કચેરી અને ગ્રામપંચાયત ના કમ્પાઉન્ડમાં જાતે ઝાડું લગાવી સ્વચ્છતા ને અગ્રિમતાનો લોકોને મેસેજ આપ્યો હતો. તો ગ્રામપંચાયત ના હોદેદારો ની આ કામગીરી ને જોઈ ગામ લોકો પ્રભાવિત થયા હતા. તો ડાલવાણા ગ્રામપંચાયત ના હોદ્દેદારો ની આ પહેલ અન્ય માટે પણ પ્રેરણારૂપ બની રહી હતી.