જિલ્લા કલેક્ટરશ્રીનાં હસ્તે સ્વરોજગારલક્ષી સિવણ ક્લાસ
તથા ભરત ગૂંથણ ક્લાસનું ઉદઘાટન
૩ ડિસેમ્બરનાં રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગોધરાની ગાંધી બહેરા-મૂંગા શાળા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાનાં વરદ હસ્તે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્વરોજગારલક્ષી સિવણકલાસ તથા ભરત ગૂંથણ કલાસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે શાળાનાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ચિત્રકામ સ્પર્ઘામાં પણ 50 થી 60 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીઘો હતો તેમજ દિવ્યાંગતા માટે જાગરૂકતા લક્ષી વર્કશોપનું આયોજન કરી યુનિક સાઈન લેંગ્વેજ અંગે સમજણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગાંધી બહેરા-મૂંગા શાળા 120 જેટલા બહેરા-મૂંગા બાળકોને નિવાસી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઈને 50 ટકા ક્ષમતા સાથે બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. 8 જેટલા માનસિક ક્ષતિ ધરાવતા બાળકો પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ડિફરન્ટલી એબલ્ડ બાળકોને જરૂરી તમામ સહાય કરી તેઓ જીવનમાં પોતાની ક્ષમતા અનુસાર પોતાનાં ધ્યેયો પ્રાપ્ત કરી શકે તે માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડી.એચ.લખારા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જીગ્નેશ પંચાલ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી નાથાભાઈ વણકર તેમજ મંત્રીશ્રી નરેશભાઈ ચૌહાણ, શાળાના આચાર્ચશ્રી હિરેનભાઈ ગોહિલ તેમજ શિક્ષકગણ સહભાગી થયા હતા.
રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી,ગોધરા (પંચમહાલ)