અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં વય નિવૃત્તિને કારણે નિવૃત થતા શ્રી બી.આર.પ્રણામી ( સુપરવાઇઝરશ્રી ) તથા શ્રી રમેશભાઇ ચૌધરી (સેવકશ્રી) નો “વિદાય સમારંભ” યોજાયો હતો. આ સમારંભમાં સંચાલક મંડળના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી , ઉપપ્રમુખશ્રી જે.ડી.ચૌધરી , મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ સાહેબ, શાળા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વી.જી.ચૌધરી તથા સંચાલક મંડળના અન્ય હોદ્દેદારોશ્રીઓ તથા સમાજના આગેવાનો, વડીલો અને વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થતા બંને કર્મચારી મિત્રોના સગા સંબંધીઓ હાજર રહીને સમારંભને શોભાવ્યો હતો.
શૈક્ષણિક સંકુલના સ્ટાફ મિત્રો, શાળાના પ્રિન્સિપાલ, તથા સંચાલક મંડળના હોદ્દેદારશ્રીઓએ શાળાની પ્રગતિ, શિક્ષણ અને વિદ્યાર્થીઓના જીવનને સમૃદ્ધ કરવા માટે બંને મિત્રોએ કરેલા અથાગ પ્રયત્નોની ગાથા રજૂ કરી બંને મિત્રોને બિરદાવ્યા હતા તથા નિવૃત્તિ પછીનું બંને મિત્રોનું જીવન સુખમય, સમૃદ્ધિમય અને શાંતિમય પસાર થાય તેવી પ્રભુ પાસે શુભ કામના કરી હતી.
વધુમાં શાળાના સ્ટાફ મિત્રો દ્વારા શ્રીફળ , શાલ, મોમેન્ટ અને ચાંદીના સિક્કા આપીને બંને મિત્રોને સન્માનિત કરી બંને મિત્રોને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. સાથે સાથે સંચાલક મંડળ દ્વારા પણ બંને મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને બંને મિત્રોનાં સગા સંબંધીઓએ પણ સન્માનિત કર્યા હતા.
બંને મિત્રો દ્વારા શ્રી બી.આર.પ્રણામી 51000 રૂપિયા તથા શ્રી રમેશભાઈ ચૌધરી 51000 રૂપિયા દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે માતબર રકમનું દાન આદર્શ શૈક્ષણિક સંકુલને આપવામાં આવેલ. જેનો અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારોશ્રીઓ દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો. શ્રી કોકીલાબેન કે ચૌધરી તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં સર્વે સમૂહ ભોજન લઇ બંને મિત્રોને ભાવભરી વિદાય આપી હતી.