ભાજપ અગ્રણી અહેમદહુસેન સૈયદને બારડોલી વ્યસનમુક્તિ કેન્દ્રમાં ગુપ્તભાગે કરંટ અપાયો, ઘટનાનું રહસ્ય
નંદાસણ ગામના પૂર્વ સરપંચ અને મહેસાણા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અહેમદહુસેન મીરસાબમીયાં સૈયદ (52)ને બારડોલી વ્યસનમુક્તિ કેન્દ્રના સંચાલકોએ ઈનોવામાં અપહરણ કરી લઈ જઈ ઢોરમાર મારી, 27 દિવસ સુધી ગોંધી રાખી ઈલેક્ટ્રીક શોટ આપી દોઢ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે નંદાસણ પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અહેમદહુસેન સૈયદને ગત 20મી જૂને પરોઢે ઈનોવામાં આવેલા શખ્સોએ અમે ક્રાઈમ બ્રાન્ચમાંથી આવીએ છીએ તેમ કહી તેમના ઘરેથી ટીંગાટોળી કરી અપહરણ કરી ગયા હતા. રસ્તામાં કારમાં ગડદાપાટુનો માર મારી આજે તો આનું પિક્ચર પૂરૂં જ કરી નાખીએ તેમ કહી ગાળો બોલતા હતા. રસ્તામાં ટોયલેટ જવા આજીજી કર્યા બાદ પોર નજીક દર્શન હોટલ પર ગાડી ઊભી રાખી ત્યારે બૂમાબૂમ કરવા છતાં અપહરણકારોની બીકના કારણે કોઈએ છોડાવ્યો ન હતો.
ત્યાંથી બારડોલી ખાતે ટીસીટી વ્યસનમુક્તિ કેન્દ્રમાં લઈ જઇ ઉપરના માળે ડીટોક્ષ રૂમમાં ગુપ્ત ભાગે ઈલેક્ટ્રીક શોટ આપી શરીર ઉપર કૂદતા હતા. 27 દિવસ સુધી વ્યસનમુક્તિ કેન્દ્રમાં ગોંધી રાખી ટોર્ચર કરી માર મારી નમાજ પણ પઢવા નહીં દઈ શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો.
ત્યાર બાદ પરિવારને જાણ કરતાં 17 જુલાઈના રોજ તેનો ભાઈ સાદીક લેવા આવ્યો ત્યારે તેની હાલત જોઈ રોઈ પડ્યો હતો. વ્યસનમુક્તિ કેન્દ્રના સંચાલકોને અગાઉ 5000 આપ્યા હતા, છતાં બીજા દોઢ લાખ આપ ત્યાર બાદ તારા ભાઈને છોડીએ તેમ કહેતાં અહેમદહુસેનના મેનેજર અલ્તાફે તેમના ખાતામાં એનીએફટી કરી 1,05,000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ અહેમદહુસેનને છોડતાં તેનો ભાઈ નંદાસણ સીએચસીમાં સારવાર માટે દાખલ કરતાં વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડાયો હતો.
ત્યાંથી નંદાસણ પોલીસ મથકે વર્ધીથી જાણ કરાઈ હતી. ગત 20 જુલાઈએ અહેમદહુસેન સૈયદે અપહરણકારો સામે ફરિયાદ નોંધવા લેખિત અરજી કરી હતી. નંદાસણ પોલીસે ત્રણ દિવસ બાદ રવિવારે અહેમદહુસેન સૈયદના નિવેદન આધારે બારડોલી વ્યસનમુક્તિ કેન્દ્રમાં રહેતા 8 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
8 સામે ગુનો
- રોહનભાઈ
- ભરતભાઈ
- અતિકભાઈ
- આફ્તાબભાઈ
- કેસરી શર્ટવાળો ભાઈ
- ગૌરાંગભાઈ
- કેતનભાઈ
- કલ્પેશભાઈ
(તમામ રહે.વ્યસનમુક્તિ કેન્દ્ર, બારડોલી, સુરત)
મનોજ યોગી